Thursday, March 10, 2022

પરિણામ બદલવું હોય, તો પદ્ધતિ બદલવી પડે.

એક ભાઈએ ગેસ સ્ટવ ઉપર તપેલી મુકી. તેમાં દૂધ નાંખ્યું. ચાની પત્તી નાંખી, ખાંડ નાખી, ગેસ ચાલુ કર્યો. ઉભરો આવ્યો એટલે તપેલી ઉતારી, ગળણીથી ગાળીને કપ ભર્યો. કપ મોંએ માંડ્યો. ઘુંટડો ભર્યો. તરત જ મોં બગાડીને બોલી ઉઠ્યા, “અરે રે .... આ તો ‘ચા’ છે. મારે તો કોફી પીવી હતી.”

 ઊભા થઈને બીજી તપેલી લીધી. દૂધ નાંખ્યું. ચાની પત્તી નાંખી, ખાંડ નાંખી, ઉકાળ્યું. ફરીથી કપ ભરી મોંએ માંડ્યો અને વળી પાછા બોલી ઉઠ્યા, “ઓહ નો !! આ તો ચા જ છે. મારે તો કોફી પીવી હતી.” 

આવું ચાર વખત કર્યું, છતાં કોફી ન બની. ‘ચા’ જ બની. શું આ રીતે કોફી બને ? ના, ન બને. 

કોફી બનાવવી હોય તો શું કરવું પડે ? ચાની પત્તીના બદલે કોફી નાંખવી પડે. 

સીધી સાદી અને હસવું આવે તેવી વાત છે. પણ એનો મર્મ ઊંડો છે. મર્મ એ છે કે *- ‘પરિણામ બદલવું હોય, તો પદ્ધતિ બદલવી પડે.’*

તમે જે રીતે કામ કરતા આવ્યા છો, એ જ રીતે કામ કર્યા કરશો તો એ જ પરિણામ મળશે કે જે હંમેશાં મળતું આવ્યું છે.

Source:book : NLP BY રાજીવ ભલાણી

No comments:

Post a Comment