Monday, February 6, 2023

હિન્ડનબર્ગની હોનારત

*હિન્ડનબર્ગની હોનારત : હજુ પણ ધુણ્યા કરતું ભેદનું ભૂત !*

પોલ વોન હિન્ડનબર્ગ. 

જર્મનીમાં હિટલર છવાયો એ પહેલા કોણ પ્રમુખ હતું? જેણે ૧૯૨૫થી ૧૯૩૪ સુધી રાજ કર્યું ? બસ એનું જ નામ હતું આ લખ્યું એ  હિન્ડનબર્ગ ! હા એ જ હિન્ડનબર્ગ જે અત્યારે અદાણીના સ્ટોકસને કારણે સમાચારોમાં છવાયેલું છે. નાથન એન્ડરસન ની હિન્ડનબર્ગ કંપની અત્યારે ભારતના હેડલાઈન બનાવી રહી છે. અમુક લોકો તો એટલા અકળાઈ ગયા છે કે એના ઉપર જાત ભાતના ઇલ્ઝામ લગાવી રહ્યા છે. પણ આ કંપની સ્થપાઈ ત્યારથી એનું કામ જ છે સ્ટોક માર્કેટમાં ઉથલપાથલ કરી અને ઓવરરેટેડ ગણાતા શેર પ્રાઈઝના ફુગ્ગા ફોડવાનું. હવે એ વિશે તો સમાચારપત્રોમાં બહુ વાંચી લીધું હશે કે વીડિયોમાં જોઈ લીધું હશે. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ તો એના આ કામ માટે તેજસ્વી દિમાગ ધરાવતા અને ધરખમ ડિગ્રીઓ મેળવી ચૂકેલા એન્ડરસને પસંદ કરેલું નામ છે ! 

આ જર્મન પ્રમુખ નું નામ વળી ૨૦૧૭માં સ્થપાયેલી ઇકોનોમિક્સ કેમ ના રિસર્ચ કરનારી કંપનીને કેવી રીતે ગમ્યું? તો એ એવી રીતે કે હિન્ડનબર્ગ માત્ર અને માત્ર જર્મન પ્રમુખનું નહીં પણ વીસમી સદીના ભયાનક ગણાતા ડિઝાસ્ટર એવા એરશીપ હિન્ડનબર્ગનું નામ છે ! વીતેલી સદીમાં બનેલી અમુક એવી દુર્ઘટનાઓ છે, જે આજે પણ માણસ જાતની મેમરીમાંથી ભુસાવવાનું નામ લેતી નથી. હિન્ડનબર્ગ આવી જ રહસ્યમય હોનારત છે. માત્ર માણસો મરી ગયા એને કારણે નહીં પણ શા માટે એ અકસ્માત સર્જાયો એની આસપાસ ગોઠવાયેલા રહસ્યને કારણે એ વધારે રસપ્રદ અને યાદગાર બની છે. જસ્ટ થિંક, ટાઇટેનિક કેવી રીતે અમર બની એટલા માટે કે હજુ એ એની ફિલ્મ બની ગયા ના ૨૫ વર્ષે પણ કેવી રીતે અને શા માટે એ તૂટી એની અવનવી થિયરીઓ ભેજાબાજો તારવ્યા અને લડાવ્યા કરે છે. અને હજુ એ પશ્ચિમની પ્રજામાં આકર્ષણ પેદા કરે છે. ચર્નોબિલ કે સ્પેસ શટલ ચેલેન્જર જેવા કરપીણ અકસ્માતોની તવારીખમાં હિન્ડનબર્ગ પણ આગળ પડતું નામ છે. 

હિન્ડનબર્ગ એટલે એરશિપ યાને એક પ્રકારનું જુદી રીતે બનાવાયેલું બલુન. ૧૯૦૦ની સાલમાં હજી આજના વિમાનો ઉડવાને વાર હતી પણ માણસ જાતને ઉડવાના અભરખા બહુ થતા હતા એટલે એટલે જર્મન સંશોધક ફર્ડિનાનન્ડ ઝેપલીને સિગાર ના આકારનું શંકુ આકારની માછલી જેવું ગણાતું લાંબી તારની ફ્રેમ ઉપર ફેબ્રિક મટિરિયલ ગુથીને અંદર ગરમી પેદા કરવા ગેસ ચેમ્બર બનાવીને અને ડીઝલ થી ચાલતા એન્જિન રાખીને હવાઈ જહાજો બનાવેલા જેને એરશિપ કહેવામાં આવતા શરૂઆતમાં એક ખાસ્સા લોકપ્રિય બન્યા અને એની ડિઝાઇનમાં સુધારા વધારા થયા. ઝેપ્લીન નામની આખી જર્મન કંપની એમાં સરટોચની નીવડી ( જેના આધારે જેમ્સ બોન્ડની ફિલ્મ "એ વ્યુ ટુ એ કિલ"નો કલાઈમેક્સ બન્યો. ધીરે ધીરે અલગ અલગ પ્રકારના જે આવા એરશિપ બન્યા એણે પેસેન્જર સાથેની મુસાફરી શરૂ કરી. જગ્યા એમાં પહોળી હતી આરામથી બેસી અને હરીફરી શકાય એવી. પણ પેસેન્જર કરતા કાર્ગો અને ક્રૂની સંખ્યા વધારે રહેતી અને એકથી બીજા દેશની અંદર ઝડપથી આવન જાવન કરવા માટે તેનો ઉપયોગ થતો. 

હિંમત એરશીપ ૨૪૮ મીટર લાંબુ બનાવવાનું હતું પણ અમેરિકાના ડોક સ્ટેશન ઉપર એ સાઈઝ મોટી પડતી હોવાને લીધે એને ૨૩૭ મીટરનું કરવામાં આવ્યું એની અંદર મહત્તમ એક લાખ ચાલીસ હજાર ઘનફીટ હાઈડ્રોજન વાયુ સમાઇ  શકતો. અડધો તો કાયમ રહેતો. આમ તો હાઈડ્રોજન જ્વલનશીલ વાયુ ગણાય એટલે જોખમી ગણાય પણ સસ્તો એ પડતો હતો એટલે હિલિયમ ને બદલે પોતાની કુલ ત્રેસઠમી ફ્લાઈટમાં જ્યારે જર્મનીથી અમેરિકા વચ્ચેની દસમી ઉડાનમાં છઠ્ઠી મે ૧૯૩૭ના રોજ એન્ટ્રી કરી ત્યારે એમાં હાઈડ્રોજન ભરેલો હતો કેપેસિટી ૭૦ પેસેન્જર રહી હતી પણ એનાથી અડધા જ ઓન બોર્ડ હતા પણ ૬૧ સભ્યોના ક્રૂ એમાં સવારે હતી. કુલ ૯૭ વ્યક્તિઓને લઈને એ સવારે ગુજરાતીઓ જ્યાં ભરપૂર વસ્યા છે એવા અમેરિકાના ન્યૂજર્સીના લેકહર્સ્ટ સ્ટેશન ઉપર આવ્યું, ત્યારે વાતાવરણ ખરાબ હોઈને એનું સીધું લેન્ડિંગ નહોતું થયું સુપરમેનની જેમ એને મેનહટન વિસ્તારની આસપાસ ચકરાવા લીધા હતા. લોકોને જાણું થયું અને એ વખતના ફોટોગ્રાફ પણ લેવાયા હતા. એરશિપ ત્યારે લક્ઝરી ગણાતી હતી, એ સમયે વિમાન તો શોધાઈ ગયેલા પણ એ આજના જેવા આધુનિક સગવડોવાળા અને તોતિંગ નહોતા.

હિન્ડનબર્ગે ત્યારે વાતાવરણને લીધે આકાશમાં કલાકો ચકરાવા માર્યા. ઓલમોસ્ટ અડધો દિવસ આમને આમ એણે ગુમાવ્યો અને અંતે સાંજના સાતની આસપાસ લેન્ડિંગ કરવાનું શરૂ કર્યું એની હોટ એર બલૂન સિસ્ટમ મુજબ એમાંથી નેવલ ડોક સ્ટેશન પર મૂર્સ કેબલ તરીકે ઓળખાતા તાર ફેકવામાં આવતા એ જમીન સાથે જોડાઈને સ્થિર થાય પછી ધીમે ધીમે લેન્ડ થતુ

બન્યું એવું કે જસ્ટ લેન્ડ થવાનું હતું ત્યારે જ હમણાં નેપાળમાં થયેલું તેમ અચાનક એની પૂંછડીના પાછલા હિસ્સામાં ધડાકા સાથે આગ ફાટી નીકળી અને આગની જ્વાળાઓએ જોત જોતામાં હિન્ડનબર્ગને ઝપટમાં લઈ લીધું ! ચોતરફ ચીસા ચીસ નો માહોલ થઈ ગયો. લેન્ડિંગમાં જમીન પર ચીફ ઓફિસર ફેડરિક ટોપિન જે અગાઉ નેવી લમાં હતો ત્યારે ઓલરેડી એક એર ક્રેશનો અનુભવ કરી, બચી ચૂક્યો હતો એ હાજર હતો, અને એણે પરિસ્થિતિ પારખી ત્યાં હાજર રહેલી ટીમને તરત જ સ્ટેન્ડનો કમાન્ડ આપ્યો. ઘણા જીવ બચાવી પણ લેવાયા,હેમખેમ નીકળેલા ચાલકોએ પણ ફરી અંદર પ્રવેશ કરી જીવન જોખમે બચાવકાર્ય કર્યું. પણ એક નીચે ઉભેલા ફ્લાઈટ સહિત કુલ ૩૬ વ્યક્તિઓના મૃત્યુ થયા જેમાં ૧૩ મુસાફરો અને ૨૨ ક્રૂ મેમ્બર્સ હતા. ૨૩ મુસાફરો અને ૩૯ ક્રુ મેમ્બર્સ દાઝ્યા હતા પણ એ લોકોના જીવ બચી ગયા.

પણ આ કરુણકરપીણ કહાની અહીંથી ખતમ થવાને બદલે તો શરૂ થઈ ને  હિન્ડનબર્ગના પાયલોટે કહ્યું કે અગાઉ પણ વરસાદી વાતાવરણમાં તો આ એરશિપ ચાલતું જ હતું એટલે તોફાનને કારણે કે વીજળીને કારણે આગ લાગી, એવું તો ન બન્યું હોય. ત્યારે ઝરમર ઝાકળ જેવા વરસાદ સિવાય એવું તો તોફાન હતું પણ નહીં અમેરિકન અને જર્મન્સ વિજ્ઞાનીઓની રિસર્ચ ટીમ પણ કામે વળગી. એ લોકોનું તારણ એવું હતું કે હાઈડ્રોજન વાયુમાં વિસ્ફોટ થયો અને એને કારણે એરશિપ બળતું થઈ ગયું. આ તો બરાબર કે પેટ્રોલ ને દીવાસળી ચંપાઇ અને આગ લાગે પણ મહત્વનો સવાલ તો એ છે કે સળગતો કાકડો ફેંક્યો કોણે? 

તાકીદ ની એક થિયરી તો એવી આવી કે જર્મનીમાં ત્યારે જેનો ઉદય થઈ ચૂકેલો હતો એવા નાઝી પાર્ટીના હિટલરને બદનામ કરવા માટે એના વિરોધી એવા કોઈએ સાજીશ રચી હતી. એ અમેરિકા પણ હોઈ શકે કે પછી હિટલરની સામે અસંતોષ ધરાવતા કોઈ જર્મન પણ ! હજુ બીજા વિશ્વયુદ્ધ અને હિટલરના રાક્ષસી ક્રૂર સ્વરૂપને જોવાને તો દુનિયાને વાર હતી પણ નાઝી પાર્ટીના વાવટા જર્મનીમાં પૂરેપૂરા ફરકી ગયેલા બીજી વાત એ આવી કે આવું કોઈ કાવતરું જ નહોતું પણ રીતસરનો અકસ્માત જ હતો જેમાં ગુનેગારના કઠેડામાં ઉભેલો હતો ઈલેક્ટ્રીક તણખો યાને સ્પાર્ક જે સ્થિત વિદ્યુત યાની સ્ટેટિક ચાર્જ ને આભારી હતો. 

થયું એવું કે ૧૯૨૮થી શરૂ કરીને ૧૯૩૬માં જેણે ઉડાન શરૂ કરેલી એવા હિન્ડનબર્ગના પણ કેપ્ટન બનાવેલા મેક્સ પ્રુસે જીવ્યા ત્યાં સુધી સેબોટેજ થિયરી પકડી રાખી. એણે તો શંકાની સોય પણ કોના તરફ હતી એ સ્પષ્ટ કહી દીધું. એના મતે જર્મન પેસેન્જર જોસેફ સ્પાહિન્ડનબર્ગમાં બોમ્બ મૂકીને જર્મનીનું નામ ખરાબ કરવા લાગતો હતો જોસેફ સ્પા કસરત બાજ. એ અંગકસરત માટે જાણીતો હતો એટલે ગમે ત્યાં તરત ચડી શકે. પોતાના જર્મન શેફર્ડ કુતરા નામે ઉલ્લાને લઈને એ હવાઈ જહાજ માં બેઠો હતો. 

કૂતરો પાછળની સાઈડ અંદર બાંધેલો હતો અને એને ખવડાવવા માટે વારંવાર પાછળ જતો હતો. એક વર્ગનું એવું માનવાનું હતું કે એ વખતે કોઈના ધ્યાન બહાર એણે ત્યાં ધડાકા માટે બોમ્બ મૂકી દીધો અન્ય સાથી જર્મન પેસેન્જર સાથે એન્ટી નાઝી જોક્સ કરતો હતો એટલે એ જ જવાબદાર હોય. આપણે ત્યાં જેમ જરાક જુદા પ્રકારનો અભિપ્રાય આપો એટલે એક ટપોરીટોળું તરત જ કોઈ સબૂત વિના એન્ટીનેશનલના સર્ટિફિકેટ આપવા માટે આજકાલ કૂદાકૂદ કરી મૂકે છે, એમ જ જર્મન ઝેપ્લિન કંપનીના એ કેપ્ટન પ્રુસે દ્રઢતાથી કહ્યું કે નાઝીઓનું નામ ખરાબ કરવા માટે જોસેફ સ્પાએ બોમ્બ મૂક્યો હશે.

અલબત્ત જોસેફ સ્પાની પત્નીએ એવું પણ કહ્યું કે એને તો આવા સમાચાર જ્યારે જાણવા મળ્યા ત્યારે એ બારીઓ સાફ કરતો હતો, અને આઘાતથી ધબ્બ દઈને હેઠો પડી ગયો ! એ કસરતબાજ હતો પણ કાતિલ નહોતો. કોઈ અછડતો પુરાવો પણ એવો મળ્યો નહિ. 

૧૯૬૨માં પ્રકાશિત થયેલા એક પુસ્તક, જેના આધારે ૧૯૭૫માં  ફિલ્મ પણ બની, એના લેખક હાઉલિંગે વળી એવો દાવો કર્યો કે હિન્ડનબર્ગની હોનારત હતી તો સેબોટેજ.  અને બોમ્બ મૂકીને કરેલી પણ એમાં ગુનેગાર જોસેફ નહોતો પણ એરિક પેલ નામનો ફોટોગ્રાફર હતો, જે ફોટોગ્રાફર હોવાને કારણે ત્યારે ફ્રેશ બલ્બમાં વપરાતી ડ્રાય બેટરી સાથે ફેરવતો અને એની ગર્લફ્રેન્ડ સામ્યવાદી હતી અને નાઝી પાર્ટીની વિરોધમાં હતી. એરિકનો મૂળ ઇરાદો કોઈને મારવાનો નહીં પણ માત્ર ફ્લાઈટ સ્ટેશન ઉપર ખાલી પડેલા જહાજમાં ધડાકો થાય એવો હતો, પણ ખરાબ વાતાવરણને કારણે લેન્ડિંગ કલાકો મોડું થયું એમાં એણે મુકેલો બેટરી બોમ્બ ફાટ્યો અને ખુદ જ આગમાં ભસ્મીભૂત થઈ મૃત્યુ પામ્યો. 

પણ અમેરિકન અને જર્મન બંને તપાસ એજન્સીઓમાં આ વાતને કોઈ સમર્થન મળ્યું નહીં  ખુદ અમેરિકન એફબીઆઇએ રિપોર્ટ ફાઈલ કર્યો કે હિન્ડનબર્ગના કાટમાળના તલસ્પર્શી અભ્યાસ પછી પણ એમાં કોઈ બોમ્બ હોવાના પુરાવા મળ્યા નથી. પેસેન્જર એ આગ પહેલા જ્વાળાઓ જોઈ હોવાના દાવા કર્યા હોય એ ભ્રમ હોય શકે. જર્મનો પણ એમાં સહમત થયા.

તો પછી હિન્ડનબર્ગ સળગ્યું શા માટે ? આ પ્રશ્ન માટે ખુલાસા તો અનેક થતા રહ્યા. ૨૦૧૨માં ડિસ્કવરી ચેનલે "ક્યુરિયોસિટી" નામની એની ડોક્યુમેન્ટરી સિરીઝમાં આખો એક એપિસોડ આ સવાલના હવાલે કર્યો. પણ એમાંય છેલ્લે તારણ તો એ જ નીકળ્યું કે કોઈ બોમ્બધડાકો કોઈએ કરીને એને ખતમ કર્યું નહોતું અથવા તો જેણે કર્યું હતું એ એવો તો માસ્ટરમાઈન્ડ હતો કે એના કોઈ જ સગડ એને પાછળ મૂક્યા નહોતા ! 

વાત ધીરે ધીરે ભુલાતી ગઈ ઓલરેડી એરશિપ તો ભુલાવા જ ભુલા જ ચૂકેલા ૧૯૫૮ પછી માત્ર જાહેરાતોના કારણથી આવા એરશિપ ટાઈપના બલુનો ઉડે છે, પણ પેસેન્જર કે કાર્ગો પ્લેન તરીકે એ વપરાતા નથી. બીજા વિશ્વયુદ્ધમાં હિટલર પાસે રહેલા આવા સિત્તેરમાંથી ત્રેપન એરશિપ નાશ પામેલા. હિન્ડનબર્ગની સાથે જ એનો યુગ આથમી ચુક્યો હતો. આજે તો અફલાતૂન હવાઈ જજો એરોપ્લેન ના સ્વરૂપે આવી ચૂક્યા છે, અકસ્માત એમાં પણ થાય છે પણ હવે બલૂન જેવા ખોખા ઉડાડવાની જરૂર રહેતી નથી. જેમાં ગરમ વાયુ થી કોઈ વિશાળ કદનો ફુગ્ગો હવામાં તરતો રાખવામાં આવે.

હિન્ડનબર્ગ તો બલુન જ હતું એટલે વાત એમ હતી કે એનું એન્જિન ફેઈલ થાય તો પણ જ્યાંથી હાઈડ્રોજન વાયુ લીક થતો હોય ત્યાં તણખો પહોંચે અને ધડાકો થઈ જાય ! સામે પક્ષે એક પ્રશ્ન એ પણ રહેતો હતો કે એવું થાય તો પણ એ જ સમયે લીકેજ થાય અને એ જ સમયે સ્પાર્ક થાય… એ પણ છેક લેન્ડિંગના વખતે એવું કેવી રીતે બને અને જ્યારે કેબલના તાર દોરડાની જેમ જમીન પર લેન્ડિંગ માટે નાખવામાં આવે ત્યારે તો અર્થીંગ થઈ જવું જોઈએ જેથી કોઈ વીજભાર રહે જ નહીં. 

આ સવાલનો જવાબ કોરોનાના સમયથી ૨૦૨૦થી વિદ્યાર્થીઓને વિજ્ઞાન શીખવડવા માથાપચ્ચી કરતા ગ્રીક પ્રોફેસર જિયાપિસે આપ્યો છે ! જિયાપિસ કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર છે અને કોવિડ પૂરો થયો પછી એમની કાલ્ટેક યુનિવર્સિટીમાં એમણે એક આખું મોડલ બનાવ્યું અને રીતસર એ   હિન્ડનબર્ગ મોડેલથી સાબિત કરી દીધું કે કેવી રીતે આ અકસ્માત આકાશમાં સર્જાયો ! 

પ્રોફેસર જિયાપિસ એવું માને છે કે જ્યારે બલૂન વરસાદી વાતાવરણમાંથી પસાર થયું હોય અને કેબલ એણે જમીન પર નાખ્યા ત્યારે એ કેબલ ધરતી પરના નેગેટિવ ઇલેક્ટ્રોનનો ચાર્જ વીજભારના રૂપે બલૂન સુધી લઈ ગયા . એમાં પેદા થઈ આપણને અત્યારે શિયાળામાં જેનો અનુભવ થાય છે એવી સ્ટેટિક ઇલેક્ટ્રસિટી. જેને લીધે અચાનક ધાતુના ગ્લાસ કે હેન્ડલને અડો કે હાથ મિલાવો તો વીજળીનો હળવો ઝાટકો કોઈ ભડકા વિના લાગે છે.  

એ વખતે કેબલના લીધે ધાતુની ફ્રેમ ઇલેક્ટ્રોનની ઋણ વીજભાર વાળી થઈ ને સ્કિન તરીકે ઓળખાતું ફરતું માળખું ધન વીજભાર ધરાવતું થયું. આસપાસના હવામાનમાંથી બલુને વધુ પોઝિટિવ ચાર્જ ખેંચી લીધો કારણ કે મેગ્નેટની જેમ બે અલગ અલગ વીજભાર ભેગા થયા, અને એ વખતે આખેઆખું હિન્ડનબર્ગ હવાઈજહાજ મટીને એક વિશાળ કેપેસીટર થઈ ગયું કેપેસીટર વિદ્યુતનો સંગ્રહ કરે એ રીતે એની આખી મેટલ ફ્રેમ વિદ્યુતની સુવાહક બની ગઈ અને જ્યાં હાઈડ્રોજન લીક થતો હતો ત્યાં તરત જ ભડકો થઈ ગયો !

હાલ પૂરતો તો આ રહસ્યકથા પર પડદો પડી ગયો છે અથવા કહો કે એના પર નો પડદો ઉપર ઉપડી ગયો છે. પણ વાત વળી શરૂ કરી હતી ત્યાં પૂરી કરીએ. હિન્ડનબર્ગનો છેલ્લો સર્વાઇવર નામે વર્નર ડોહેનર પણ ૨૦૧૯માં મૃત્યુ પામ્યો જેને આઠ વર્ષની ઉંમરે એ સફરમાં એની માએ બચાવવા માટે એના ભાઈ સાથે બહાર ઘા કરીને ફેંકી દીધો હતો. પછી ઠેકડો મારેલી મા તો બચી ગઈ પણ એના પિતા અને બહેનનું વેકેશન માણવા જતા ભટકાઈ ગયેલા એ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હવે જ્યારે એ કથા સાથે સંકળાયેલા કોઈ પાત્ર પણ હયાત જ નથી તો શેરબજારના કડાકામાં આ જર્મન હવાઈ જહાજનું નામ ક્યાંથી ટપકી પડ્યું ?

એનો ખુલાસો એ છે કે મૂળ તો હિલીયમ વાયુ હિન્ડનબર્ગમાં ભરવાનો થતો હતો. અગાઉના અકસ્માતોએ સાબિત કરેલું કે હાઈડ્રોજન વાયુ એકદમ અસ્થિર છે એને પકડી રાખવો મુશ્કેલ છે કારણ કે એનું ન્યુક્લિયસ વધારે અણુભાર ધરાવતું નથી એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન જ ધરાવે છે. અને એ વાતાવરણના ઓક્સિજન સાથે મોટાપાયે પ્રક્રિયા કરે અને ત્યાં જો કોઈ સ્પાર્ક થાય તો ધડાકાભેર બોમ્બની જેમ વિસ્ફોટક થઈ જાય. આ જોખમની  આગોતરી ખબર હોવા છતાં માત્ર પ્રોફિટ મોંઘા ભાવના હીલિયમ કરતા સસ્તા ભાવના હાઇડ્રોજનમાં વધુ હોય, એટલે કંપનીએ રિસ્ક લઈને પણ સસ્તો ગણાતો હાઈડ્રોજન હિન્ડનબર્ગમાં ભરવાનું ચાલુ રાખ્યું અને અંતે એ જ અનેક જીવની સાથે એ પ્રકારના હવાઈ જહાજોના યુગનો પણ અંત લઇ આવતો એ નિર્ણય કોફિનનો છેલ્લો ખીલો સાબિત થયો. જો થોડો મોંઘો પણ સલામત ને આવશ્યક એવો હિલીયમ હોત તો આપ હોનારત ટાળી શકાઈ હોત ! 

તો તો શેરબજારમાં ખબર હોય છતાં પણ જોખમી સોદાઓ કે ભેદભરમભરી કંપનીઓ દ્વારા નાણાકીય હેરાફેરી અથવા ખાસ ચમકાવેલા ઊંચા ક્રેડિટરેટિંગના ફ્રોડ થકી મેળવી મેળવેલી જથ્થાબંધ લોનો જેવા કોઈ પણ કારણોસર જ્યારે કોઈ હર્ષદ મહેતા જેવું કેમ થાય તો એની પાછળ મૂળ તો પેલી જોખમ લઈને પણ સસ્તુ કરવાની અને એ બહાને ઝટ વધુ નફો મેળવી લેવાની આદિમ લાલચ જ જવાબદાર હોય છે જેણે  હિન્ડનબર્ગનો ખાત્મો દીધો અને એટલે જ નાથન એન્ડરસને એના મતે આ પ્રકારનું ફેકટ ફાઈન્ડિંગનું સાબિતી સાથે સંશોધન કરવાનું કામ કરતી અને આવા હળવા વાયુઓથી ભરેલા ફુગ્ગા જેવી આસમાની ઉંચાઈઓને ઉજાગર કરતી અમેરિકન કંપનીનું જર્મન નામ રાખ્યું : હિન્ડનબર્ગ. 

ખેર, પણ સવાલ એ થાય કે સાયન્સથી છલકાતી શાળા - કોલેજોમાં કોઈ શિક્ષક ખરો કે આમ ગણત્રીઓ ને મોડલથી મોરબીમાં ઝુલતા પુલ તૂટવાનું રહસ્ય સમજાવે ? જેના પર જગતમાં અવનવી ડોક્યુમેન્ટ્રી બને ? હિલિયમ ને બદલે હાઈડ્રોજન જેવો લોભ ત્યાં કેબલ જૂના ઠઠાડી દેવામાં થયો જ હતો ને ! એમાં તો વધુ જાનહાનિ થઈ હતી આ હવાઈજહાજ કરતા !

પણ આપણે બધું ભૂલી જઈએ છીએ, એટલે નવું ખાસ શીખતા નથી.

~ *જય વસાવડા* #JV

No comments:

Post a Comment